ભારતવનના ભોળા સસલા



ભારતવન નામનું એક જંગલ હતું. જંગલનો રાજા હતો સિંહ. જેનું નામ હતું મોહન.મોહન ની સાથે એક હાથણી (female elephant) પણ હતી જેનું નામ હતું સોનુ. જંગલ ને ચલાવે મોહન સિંહ પણ મોહન ને ચલાવે સોનુ હાથણી. મોહનનું જંગલ માં કઈ ખાસ ઉપજે નહિ અને સોનુ ના ઈશારે ચાલે. હાથણી ની સામે કોઈ નું કઈ  નાં ચાલે કારણકે હાથીઓનું તો જંગલ માં કેટલાય વર્ષો થી એકહથ્થુ સાશન હતું. સિહોને તો પછી તક મળી.

જંગલ નો નિયમ એવો કે દરેક પ્રાણીને ખાવાનું મળવું જોઈએ કોઈ પ્રાણી ભૂખ્યું ના રહેવું જોઈએ. પણ વહીવટ સંભાળતા લુચ્ચા શિયાળો પોતાની કટકી કરીને જંગલ ના ભોળા સસલાઓનું ખાવાનું પોતે લઇ જતા અને પકડાય નહિ એના માટે બીજા જંગલમાં જઇને સંતાડી આવતા. એટલે જંગલ ના ઘણા સસલાઓ ભૂખ્યા રહેતા. પણ બિચારા કરે પણ શું, તેઓ તો સસલા હતા શિયાળ સામે લડે પણ કેવી રીતે? સિંહ પણ લુચ્ચા શિયાળો ને કશું કહી નાં શકે કારણકે શિયાળોનાં લીધેજ તો મોહન રાજા બની શક્યો! જો શિયાળને સજા કરે તો બધા રીસાઈ જાય.

જંગલની બીજી એક સમસ્યા હતી બાજુના જંગલના અળવીતરા વાંદરાઓથી. બાજુ ના પાકવન નામના જંગલમાંથી અવળચંડા વાંદરાઓ અવારનવાર ભારતવનમાં ઘુસીને જંગલના નિર્દોષ સસલાઓને અડપલા કરી જતા. ક્યારેક સસલાઓને ખુલ્લેઆમ તમાચા મારી ને જતા રહેતા તો ક્યારેક જંગલમાં ગમે ત્યાં બાવળનાં કાંટા ફેંકી દેતા જેમાં કેટલાય સસલાઓ ઘવાતા. સસલાઓને તો જંગલમાં છૂટથી ફરવા નું મુશ્કેલ થઇ પડ્યું. સસલાઓ ડરી ડરી ને જીવતા. અને કરે પણ શું? વાંદરાઓ પાસે લાંબી પૂંછડીઓ હોય એટલે સસલાઓને લાફો મારી ને ઝાડ પર ટીંગાઈ જાય. સસલાઓ નું રક્ષણ કરવા નિમાયેલા રીંછ પણ એમના જાડા શરીરના લીધે વાંદરાઓને પહોચી નાં શકે. સિંહ દર વખતે એની ગુફા માંથી ત્રાડ નાખ્યા કરે કે જો વાંદરાઓ એમના વાનરવેડા નહિ છોડે તો અમે તેમને બરાબર પાઠ ભણાવીશું. પણ વાંદરાઓને ખબર હતી કે તો ભારતવન છે ત્યાં સિંહ ખાલી ત્રાડ નાખી શકે અને વાનરવેડા ના કરે તો વાંદરા શાનાં?

એક રાત્રે તો વાંદરાઓ જંગલમાં બેશરમ બની ને ત્રાટક્યા અને ખુલ્લેઆમ સસલાઓ ઉપર લાફાવાળી કરી. કેટલાક બહાદુર રીંછ એમને બચાવવા માટે દોડ્યા તો વાંદરાઓ એમની પૂંઠે કાંટા ભોંકી દીધા. એવામાં અજમલ નામ નો એક વાંદરો પકડાઈ ગયો અને એને પૂરી દેવામાં આવ્યો. સસલાઓ માંગણી કરી કે વાંદરાની પૂંછડી કાપી નાખો. પણ સિંહ ની સરકાર તો ભલાઈ કરનારી હતી કોઈ વાંદરા ની પૂંછડી કેમ કરી ને કાપે? લોકો ભલે સસલાઓ ના કાન મરડી જાય, આપણે એવું થોડું કરાય? સિંહે તો હજી સીધા ગુફાઓ આગળ ધમાચકડી કરનારા વાંદરા અફઝલ ને પણ માનભેર જંગલમાં રાખ્યો હતો, તો પછી અજમલ ને કેમ નહિ? અજમલ વાંદરાને પણ આદર સત્કાર સાથે જંગલ માં રહેવા દેવામાં આવ્યો. સસલાઓ નું રક્ષણ કરવા નિમાયેલા રીંછ માંથી ઘણા બધા રીંછો ને અજમલનું રક્ષણ કરવા નું કામ સોંપાયું જેથી કોઈ સસલું આવી ને વાંદરા ની પૂંછડી ના મરડી જાય. અજમલ વાંદરા માટે રોજ ના કિલો કેળા ની પણ વ્યવસ્થા કરવા માં આવી અને આદેશ અપાયો કે સસલાઓ ને મળતા ગાજરની જગ્યાએ વાંદરા માટે કેળાના ઝાડ ઉગાડવા માં આવે.

સસલાઓની દશા કફોડી થઇ ગઈ, એક તો લુચ્ચા શિયાળો એમનું ખાવાનું લઇ જતા, એમાં પણ જે વધે એમાંથી આવા પકડાઈ ગયેલા તોફાની વાંદરાઓ ને આપી દેવાતું. અને હજી પણ પાકવન જંગલ ના વાંદરાઓની હેરાનગતી તો ચાલુ હતી. એમાં સોનુ હાથણી ના મદનિયા રાહુએ એવું નિવેદન કર્યું કે બધા વાંદરાઓને રોકવા શક્ય નથી! થોડી ઘણી તોફાનમસ્તી તો થાય. એનો મતલબ કે સસલાઓએ વાંદરાઓ ના થોડા ઘણા ફડાકા તો સહન કરવા પડશે.સસલાઓ ને થયું કે આવા જંગલ માં તો રહેવું પણ કેવી રીતે? અહિયા આપણા જેવા ભોળા પ્રાણીઓ ની તો આવી દશા થાય.

એક દિવસ, દૂર દૂર ના જંગલ અમેરવનમાંથી એક હંસ ઉડતો ઉડતો ભારતવનમાં આવી પહોચ્યો અને સસલાઓ પાસે જઇને વાતે વળગ્યો. સસલાઓએ હંસને આપવીતી કહી અને પૂછ્યું કે શું તમારા જંગલ માં પણ આવું થાય છે?

હંસે કહ્યું, હા અમારા જંગલમાં પણ લુચ્ચા શિયાળ અને સિંહ છે. એક વખતનો અમારા જંગલનો રાજા બિલ્લુ જંગલ માં રાજ કરવા આડે જંગલની એક બિલાડી મોના સાથે છાનગપતિયા કરતા પકડાઈ ગયો હતો. એક વખતના રાજા જોરાવર નું બચ્ચું જંગલ માં ઉધમ મચાવતું પકડાયું હતું. પણ અમારા જંગલ ના સસલાઓ એવું ચલાવીલે એમાંના નથી, જોરાવર ના બચ્ચા ને એના રાજ માં દંડ કરવા માં આવેલો અને બિલ્લુ પણ બધા પ્રાણીઓ ની સામે માફી માંગી હતી.

હા, અમારા જંગલ માં પણ એક વાર વાંદરાઓ ત્રાટક્યા હતા અને જંગલ વેરવિખેર કરી મુકેલું. પણ પછી અમારા રાજાઓએ જંગલ ને એટલું સુરક્ષિત કર્યું છે કે તે પછી આજ સુધી કોઈ વાંદરાએ જંગલમાં પૂંછડી પટપટાવવાની પણ હિંમત નથી કરી. અને વાંદરાઓ ના સરદાર લાદીયા ને પણ સંતાઈ જવું પડ્યું. અમારા રાજા અબુએ તો લાદીયા ને પાકવનમાંથી શોધી કાઢ્યો અને ત્યાં એની પુછડી કાપી નાખી.

સસલાઓ વિચાર માં પડી ગયા અને હંસ ને પૂછ્યું કે અમેરવન માં એવું તો શું છે જે અમારા જંગલ માં નથી? ત્યાં ના રાજાઓ અને અમારા રાજાઓ વચ્ચે આટલો તફાવત કેમ? ત્યાંના લોકો કેમ આટલા સુખથી જીવી શકે છે અને અમે કેમ નહિ? ત્યારે હંસે સમજદારી વાળી વાત કરી.

તફાવત રાજાઓમાં નથી, પણ જંગલ ના પ્રાણીઓમાં છે. તમારા જંગલનાં સસલાઓને માત્ર તેમને મળતા ચારામાં રસ છે. તેમની આજુબાજુના સમાજમાં નથી.તમને તમારા પૂરતું મળી જાય એટલે તમે તમારા સાથીદારો પ્રત્યેની જવાબદારી ભૂલી જાઓ છો. તમારા રાજા ને તમે બનાવો છો. તમારો રાજા સારો હોય એની જવાબદારી તમારી છે.