ભગવાનની યોજના



મંદિરની સાફસફાઈ કરતા કરતા રઘુને લાગ્યું કે આ મારો ભગવાન ખડેપગે રાત દિવસ ઊભો રહે છે, તો શું તેને થાક નહીં લાગતો હોય? કંટાળો નહીં આવતો હોય? લાવ, હું તેને પૂછું. પણ પછી એને ખયાલ આવ્યો કે આ તો મૂર્તિ છે, તે શું બોલવાની? તેમ છતાંય એક દિવસ તેણે બોલી નાખ્યું અને તેના આશ્ચર્ય વચ્ચે સામેથી જવાબ આવ્યો: આજ સુધી કોઈએ તારા જેવો વિચાર કર્યો નથી. તારી વાત સાચી છે. મને પણ આરામની જરૂર છે. ફક્ત એક દિવસ પણ કોઈ મારી જગ્યાએ ઊભું રહે તો મારા માટે બસ છે!ભગવાને જવાબ આપ્યો તેથી રઘુ રોમાંચિત થઈ ગયો અને એક દિવસ માટે મૂર્તિની જગ્યાએ ઊભા રહેવા તૈયાર થયો.

ભગવાને કહ્યું, ‘હું તને મારું રૂપ આપી દઈશ કે જેથી તું મારી જગ્યાએ નિશ્વિંત ઊભો રહી શકે... પણ પછી તારે મારી જેમ હસતે મુખે ઊભા રહેવાનું, લોકોને વરદાન આપવાનાં, પણ આ બધું મૌન ધારણ કરીને. તું ભગવાન બન એનો વાંધો નથી પણ તું મારી યોજનામાં દખલ નહીં કરતો, કારણ દરેક માટે મેં જે યોજના કરી હોય છે તે તેના ભલા માટે હોય છે.

બીજે દિવસે રઘુએ ભગવાનનું સ્થાન લીધું. થોડીવારે એક શ્રીમંત ત્યાં આવ્યો અને સારી એવી ભેટની રકમ પ્રભુનાં ચરણમાં ધરી પોતાનો વ્યાપાર ફળેફૂલે તેવા આશીર્વાદ માગ્યા. જતા જતા તેનું પૈસાથી ભરેલું પાકિટ નીચે પડી ગયું. રઘુ તો ભગવાનના સ્થાને હતો એટલે તેનાથી ચૂપ રહ્યા સિવાય છૂટકો ન હતો. તે જ વખતે એક ગરીબ જણાતો ઈસમ આવી પહોંચ્યો. પોતાના ખમીસના ગજવામાંથી પચાસ પૈસાનો સિક્કો ગલ્લામાં નાખતાં નાખતાં તે બોલ્યો: હે પ્રભુ, તારા ભરોસે જીવી રહ્યો છું પણ કુટુંબને પોષવાના સાંસા છે.

હવે તારા પર જ બધો મદાર છે. આટલું કહી પાછા જવા ફર્યોતો તેની નજર પેલા ધનિકના પાકિટ પર પડી. આજુબાજુ કોઈ જોતું નથી તે ચકાસીને આસ્તેથી તેણે પાકિટ ઉઠાવી લીધુ. પછી પ્રભુને કહ્યું, ‘વાહ, તારી ગતિ ન્યારી છે. આટલો જલદી તું પ્રસન્ન થશે તે નહોતું ધાર્યું!આમ બોલીને તે ચાલી ગયો. રઘુને તો મૌન ધારણ કરી હસતું મુખ રાખવું જ રહ્યું.

થોડીવારે એક ટ્રક ડ્રાઈવર આવ્યો અને હજી તે પોતાની પ્રાર્થના પૂરી કરે ત્યાં તો પેલો ધનિક માણસ પોલીસને લઈને આવ્યો. આ ટ્રક ડ્રાઈવરે જ મારું પાકિટ ચોર્યું હશેકહી તેનું કંઈ સાંભળ્યા વગર તેને પકડાવી દીધો. સાચી બીના જાણતો હોવા છતાં રઘુથી કશું થાય એમ ન હોવાથી તે અકળાઈ ગયો. ભગવાનને સંબોધીને પેલો ટ્રક ડ્રાઈવર બોલ્યો: હું નિર્દોષ છું છતાં તેં મારી સાથે આવું કર્યું, પ્રભુ? આ બાજુ ચોરજલદી પકડાઈ ગયો તેથી ધનિકે ભગવાનનો આભાર માન્યો! હવે રઘુથી ન રહેવાયું.

તેને લાગ્યું કે સાચા ભગવાન પણ આ જોઈ ન રહેત અને હકીકત બહાર લાવીને જ રહેત. આથી રઘુથી બોલાઈ ગયુ: સાચો ચોર તો પેલો ગરીબ માણસ છે, જે હમણાં અહીંથી ગયો. આ ટ્રક ડ્રાઈવર તો નિર્દોષ છે!આ સાંભળી પોલીસે તેને છોડી દીધો અને થોડે દૂર પહોંચેલા પેલા ગરીબને બૂમ મારી તેની પાસેથી પાકિટ પાછું મેળવ્યું. હવે ટ્રક ડ્રાઈવરે ભગવાનનો આભાર માન્યો કે તેં મને બચાવ્યો. ધનિકે પણ પૈસા પાછા મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો. રાત્રે ભગવાન પોતાનું સ્થાન ગ્રહણ કરવા આવ્યા.

તેમણે રઘુને પૂછ્યું: કેમ, કેવો રહ્યો અનુભવ? રઘુએ કબૂલ કર્યું, ‘ભગવાન, તમારું સ્થાન લેવું ખરેખર સહેલું નથી, પણ એક વાતનો સંતોષ છે કે દિવસ દરમિયાન એક સારું કામ તો મેં કર્યું જ.આમ કહી રઘુએ આખી ઘટના કહી. રઘુને એમ કે આ વાત સાંભળ્યા બાદ ભગવાન તેના પર ખુશ થશે, પણ તેને બદલે તેમણે પોતાની નારાજગી દર્શાવી.

ભગવાને કહ્યું: મેં તને મારી યોજનાને વળગી રહેવા કહ્યું હતું અને એક પણ શબ્દ ન બોલવાનું કહેવા છતાં તે કેમ મૌન તોડ્યું? શું તને મારામાં વિશ્વાસ નથી? શું મને અહીં આવતા દરેકના મનની વાતોનો અંદાજ નથી? પેલા ધનિકે મૂકેલા દાનના પૈસા તેની કાળી કમાઈનો અંશ હતો અને મારી પાસે બદલામાં અઢળક ધનની આશા રાખતો હતો. પેલા ગરીબ ઈસમે તેની છેલ્લી બચત મને ધરી હતી એ વિશ્વાસથી કે હું તેનું દુ:ખ દૂર કરીશ. વળી તે આ આકસ્મિક ધનપ્રાપ્તિને કારણે મારા પ્રત્યે વધુ ભાવુક થઈને વધુ ભક્તિ કરત.

ભલે પેલા ટ્રક ડ્રાઈવરે કંઈ ખોટું નથી કર્યું, પણ જો તે આજે બહારગામ જવા નીકળત તો રસ્તામાં અકસ્માતનો યોગ હતો. ચોરીના આરોપસર તેને જેલવાસ થાત તો તે અકસ્માતમાંથી બચી જાત... અને તેને જેલમાંથી છોડાવવાનું કામ તો હું સંભાળી જ લેત. મારી આ યોજનાને કારણે ગરીબની આર્થિક પરિસ્થિતિ સુધરત, ધનિકનાં પાપકર્મ ઓછાં થાત અને ટ્રક ડ્રાઈવરની જિંદગી પણ બચી જાત, પણ તેં વગરવિચાર્યે વર્તન કરીને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું...