મૃત્યુ એ કંઈ જીવનનું સૌથી મોટું નુકસાન નથી

બાર્સેલોનામાં 1992નો ઓલિમ્પિક રમતોત્સવ ચાલી રહ્યો હતો. 400 મીટર રેસમાં 749 નંબર ધરાવતો એ રમતવીર જીતી જશે એવી દરેકને ખાતરી હતી. એ પછી રેસનો પ્રારંબ થયો. અને બરાબર 12.5 સેકન્ડ પછી દરેકની ધારણા મુજબ પેલો રમતવીર બધા કરતા આગળ હતો. સેંકડો દર્શકો પણ ચિચિયારીઓ પાડીને તેને પ્રોત્સાહન આપી રહી હતી. પણ ખેલાડીના નસીબમાં કંઈક જુદુ જ લખાયેલું હતું. અચાનક તેના એક પગની નસ સખતરીતે ખેંચાઈ ગઈ. અને થોડી સેકન્ડ સુધી તે લંગડાતો રહ્યો અને બાદમાં અસહ્ય વેદનાને કારણે તે ટ્રેક પર જ ફસડાઈ ગયો. 
 
લોકો બેરીકેડ તોડીને ટ્રેક પર ધસી ન આવે એ માટે સુરક્ષા કર્મચારીઓ સચેત બની ગયા હતા અને મેડીકલ ટીમ તાબડતોડ તેની પાસે પહોંચી ગઈ હતી. તેને સ્ટ્રેચરમાં બેસાડવીને લઈ જવાની તૈયારી થતી હતી ત્યાં એ રમતવીરે ફરી ઊભો થયો. આંખમાં આંસુ સાથે તેણે લંગડાતા પગે ફરી દોડવાનું શરૂ કરી દીધું. અચાનક દર્શકોની ભીડમાંથી એક આધેડ વ્યક્તિ ધસી આવ્યો, સુરક્ષા કર્મચારીઓ અટકાવે એ પહેલા તે બુમ પાડવા લાગ્યો કે ‘હું તેનો પિતા છું, તમે મને રોકી શકો નહીં.’ આમ કહીને તેઓ પેલા રમતવીરની પાસે પહોંચી ગયા અને તેને પોતાન ખભા સાથે ટેકો આપ્યો.
 
 પિતાએ પહેલા તો તેને દોડવાની ના પાડી પણ મક્કમ મનના પુત્રએ કહ્યું કે, ‘ના, મારે કોઈપણ હિસાબે રેસ પૂરી કરવી છે.’ એ પછી પિતાએ કહ્યું કે આપણે બન્ને સાથે મળીને રેસ પૂરી કરીશું. બાદમાં પિતાના ટેકાની મદદથી પુત્રએ આગળ ધપ્યો અને રેસ પૂરીથતા પહેલા  પિતાએ બાજુ પર ખસી ગયા. હજારો દર્શકોએ પણ આ હૃદયદ્રાવક પણ એટલું જ હૃદયસ્પર્સી દૃષ્ય નિહાળી અવાચક બની ગયા હતા. પેલા રમતવીરે રેસ પૂરી કરી, તે ભલે પ્રથમ આવ્યો નહતો પણ તેણે સાથી દોડવીરો સહિત સ્ટેડિયમમાં ઉપસ્થિત 65 હજાર લોકોના દિલ જીતી લીધા હતા. ડેરેક રેડમન્ડ નામના આ દોડવીરે અસહ્ય પીડા, નિરાશા અને સતત વહેતા આંસુઓને ખાળીને મક્કમ મન રાખીને સ્પર્ધા પૂર્ણ કરી હતી. 
 
એ કઈ બાબત હશે જેનાથી દોરવાઈને તેના પિતાએ સુરક્ષા વ્યવસ્થા તોડીને ટ્રેક પર ધસી આવ્યા હશે. એ હતું પુત્રના ચહેરા પર છલકાતી વેદના. તેનો પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો છતાં તે સ્પર્ધા પૂર્ણ કરવા માગતો હતો. આ જ કારણોસર પિતા દોડીને તેને મદદ કરવા પહોંચી ગયા હતા. આ સત્યઘટનાનો સાર એ છે કે જો આપણે હિંમત હાર્યા વિના આગળ ધપવાનો નિર્ધાર કરીશું તો ચોક્કસપણે સર્વશક્તિમાન ઈશ્વર આપણી મદદ માટે આવશે જ. 
 
ફંડા એ છે કે મૃત્યું એ જીવનનું સૌથી મોટું નુકસાન નથી. સૌથી મોટું નુકસાન આપણે જીવતા હોવા છતાં આપણી અંદર આશાનો અંત છે. જો તમે જીવનની કોઈપણ સ્પર્ધામાં હશો અને બાદમાં પીડાને કારણે સ્પર્ધાથી દૂર થવાનું વિચારતા હશો તો મહેરબાની કરીને એમ કરશો નહીં. કારણ કે સર્વશક્તિમાન એવો ઉપરવાળો ઈચ્છે છે કે તમે સ્પર્ધા પૂર્ણ કરો. કારણ કે એ તમને ચાહે છે. જરૂર માત્ર તમારે તમારી જાતમાં વિશ્વાસ રાખવાની છે. જો તમે જાતમાં વિશ્વાસ રાખશો તો મદદ અચૂકપણે મળી રહેશે